કેટલાંક દોસ્તો એ જવાબ શોધવાની (સમજોને ઉંદર જેવી દોડાદોડી :-)) કોશિશ તો સારી એવી કરી. અશોકભાઈ, દીપમભાઈ, પ્રયાગભાઈનો પ્રયાસ સારો રહ્યો. શકીલભાઈ તો પાછલે બારણે આવી ‘વાઈરલ માર્કેટિંગ’ જવાબ પણ આપી ગયા.
પણ..પણ..પણ…દોસ્તો, સાહેબો તમને તો ખબર છે કે…મને આડા ઉ(તરવું) બહુ ગમે છે. એનું મુખ્ય કારણ છે કે ‘હટકે’ એવા માર્કેટર્સ-ગુરુઓની સોબત તેવી અસર. આ ડેવિડ મિરમેન સ્કોટ પણ એમાંના જ. તમે એની એક ઝલક સ્ટિવ શાઝિનની આ વાર્તામાં જોઈ લીધી હશે. તેના વ્યક્તિત્વ વિશે પણ ખાસ અલગ પોસ્ટ લખી શકાય.
ખૈર, આ ‘વર્ડ ઓફ માઉસના’ વર્લ્ડની આબાદી અને બરબાદીની ઇન્ટરનેશનલ કથાઓ તો ઘણી આવી ગઈ છે…ને આવતી રહી છે. એ બધાંમાં ‘સફળતા’ અને ‘સુપર-ડુપર સફળતા’ વચ્ચે તફાવત માત્ર એક શબ્દનો છે. ‘બઝ’. જેમ મધમાખી ઉડતી વેળા જે ગણગણાટ કરે છે તેવું બઝીંગ તમારી ખુદની પ્રોડક્ટ કે સર્વિસમાં આપ મેળે થાય તો તમને કેવું લાગે?
સેઠ ગોડીને આ ‘બઝ’ શબ્દને ૧૦ વર્ષ અગાઉ માર્કેટિંગમાં ફેરવ્યોને એ શબ્દની બસમાં બેસી ડેવિડભાઈ સ્કોટે નાનકડી ફ્રિ બુકલેટ લખી…‘વાઈરલ માર્કેટિંગ’. પણ એટલાથી એમને બસ ના થયું. ને ૨૦૦૭માં એમણે આ બુકને રબરબેન્ડની જેમ થોડી ખેંચી નામ આપ્યું: The New Rules of Marketing & PR. જેની ગણના એમેઝોન અને ન્યુયોર્ક ‘બેસ્ટ સેલિંગ’માં થઇ. જે પછી આ ભાઈ તો માર્કેટિંગના ‘ડેવિડ’ બની ગયા. ને એ દ્વારા મળેલા સેંકડો ઉદાહરણોને એકઠાં કરી ૨૦૦૯માં એક ખાસ મસાલેદાર અને મસ્તીખોર બૂક બહાર પાડી……
“World Wide RAVE”
હવે તમે જ વિચારો જે માણસ પોતાની દ્રષ્ટીએ લખેલા માર્કેટિંગના નિયમોની સિદ્ધિ મેળવી શકે તે પોતાની ‘બૂક’ને પણ આ રીતે બંધ ‘રેવા’ દે?- એટલે ડેવિડ સાહેબે પોતાની બૂકને જ ‘રેવ’ના નિયમો લાગૂ પાડી સુપર-સફળ બુકમાં ફેરવી દીધી છે.
WWR ( ટૂંકમાં World Wide Rave) આવા જ ‘બઝ’ની ઘણી બધી કથાઓ અને ઉદાહરણોની સફર કરાવતી એક લક્ઝરી બસ છે.
RAVE એટલે એક એવી રચનાની ગોઠવણી જેમાં તમારી પ્રોડક્ટ્સ કે સેવાને લેવા માટે, મેળવવવા માટે લોકો ગાંડા બને…ને બીજાને ગાંડા બનાવે. પછી ભલે ને તમે રાંચીમાં હોવ કે કરાંચીમાં, નાગપુરમાં હોવ કે નાગાલેન્ડમાં, અથવા ધોળકામાં હોવ કે ડેલાવેરમાં. લેટેસ્ટ ઉ.હ. એપલ કંપનીની બહાર પડતી દરેક પ્રોડક્સ. અને ગૂગલની બહાર આવતી દરેક સેવાઓ. WWR આ પ્રક્રિયાની એકડે મીંડે દસથી શરૂઆત કરે છે.
જેમ પાછલી પોસ્ટમાં જણાવ્યુંને કે….તમારી એક વેબસાઈટ હવે ‘મીની મલ્ટીનેશનલ’ દુકાન બની ગઈ છે. જો એમાં કોઈક એવી બાબત બીજાને ‘હટકે’ લાગે તો સમજી લ્યો કે તમને લોટરી લાગે. પણ માત્ર ‘વેપ્શાઈટ’ બનાવીને રાખો તો પછી નોટરીયે કામમાં નહિ આવે. WWR તમારી પ્રોડકટ કે સેવામાં આ ‘લોટરી લગાઉં’ ફેક્ટરને મેળવવામાં મદદ કરે છે.
આપણે ઘણી વાર જોઈએ છીએ કે…ક્રિકેટ કે અન્ય મેચ જોતી વખતે પ્રેક્ષકોમાં ઉભા થઇ હાથોં ઉંચા કરતી એક યુનિક ‘વેવ’ આખા સ્ટેડિયમમાં ફરી વળે છે. આ પણ એક પ્રકારની ‘રેવ’ છે. કોઈક એવો ‘માઈ કા લાલ’ છગન-મગન શરૂઆત કરે છે ને બઝ…પછી શરુ થાય છે છટકેલોની હારમાળા…- આવું આપણે પણ પ્રોડક્ટ-સેવામાં કરી શકીએ છીએ. જરૂર છે. માત્ર ‘ઉભા થવાની’. ત્યારે બીજાને આ રીતે ઉભા કરવાની કળા ડેવિડ ચાચા WWR માં બહુ અશાંતિથી બતાવે છે. કોલા સાથેનો હલ ત્યારે જ થાય જ્યારે ખરેખર ‘કોલાહલ’ થાય. (ઉ. હ: અય્યો યેમ્મા ! કોલાવેરી ડી…કોણ બોલ્યું?)
ઘણી એવી પ્રોડકટ્સ હોય છે જેને આપણા ગામમાં કોઈ ભાવ પણ ન આપતું હોય પણ કોઈક બીજી જ જગ્યા એનો ભાવ ખૂબ ઉંચે જઈ શકે છે. ત્યારે નેટ પર આવો ‘ભાવ’ મેળવવવા માટે શું કરું જોઈએ? અલબત્ત…. ‘Charity Begins at Home‘ જેમ આખી દુનિયામાં ‘રેવ’ ફેલાવવા શરૂઆત ઘરમાંથી કરવી પડે”. આવું સાચું મનાતું વાક્ય ખોટું પડતું જોવું હોય તો WWR નામનો અરીસો લઇ આવવો જોઈએ.
સવાલ: વસ્તુ કે આઈડિયાને સાચી રીતે બતાવવા માટે આપણા શબ્દો, આપણી પેશકશ, આપણી છંછેડવૃતિ કેટલી અગત્યની છે?
જવાબ: તમે ખરા દિલથી કહી શકો એટલી. દિમાગ એની રીતે ફોડી લેશે.
સવાલ: શું લોકો ખરેખર તમારી પ્રોડક્ટ કે સેવાને દિલથી પ્રેમ કરે છે?-
જવાબ: ના. લોકો માત્ર પોતાનો ‘સ્વાર્થ’ જ જુવે છે.
સવાલ: શું મફતમાં આપણે ધંધો કરી શકીએ છીએ?
જવાબ: હા ! કરી શકીએ. પણ ‘કિંમત’ ચુકી ના જવાય એની તૈયારી સાથે.
ઉપર મુજબના ઘણાં પા‘રેવ’ડાં પ્રશ્નો આપણા મનમાં ઉડાઉડ કરતા હશે.- ખરુને? આવા સવાલોના પદ્ધતિસર જવાબ મેળવવા માટે WWR ની ઉડતી મુલાકત લઇ લો તો માનસિક સ્વાસ્થ્ય સારું રહે એવી ગેરેંટી (ડેવિડભ’ઈ તો નહિ પણ) આ મુર્તઝાભાઈ આપે છે.
એ સાથે સાથે….
- નાનકડા ‘આઈડિયા’નું બીજારોપણથી લઇ પ્રોડક્ટ કે સર્વિસનો રોકડીયો પાક લણવાનું શીખવા….
- ધંધાના ધર્મની કથા કઈ રીતે કરવાનું એ શીખવા…
- ગ્રાહકો ‘હક કે સાથ’ તમારી વસ્તુના ‘વાસ્તુ’ માટે લાઈન કઈ રીતે લગાવી શકે એ શીખવા…
- માર્કેટિંગનો મોરલો કળા તો કરી જાય ને પછી એનું ટેહૂંક.. ટેહૂંક આખા નેટ-જંગલમાં સંભળાય એવું રેકોર્ડિંગ કરવા માટેના જરૂરી સાધનો વસાવવાનું જ્ઞાન લેવું હોય તો…
એ માટે WWR (વાઈલ્ડ વેસ્ટર્ન રેલ્વે)ની ટીકીટ બૂક કરવી જ પડે.
ત્યારે બાપલ્યા !….હવે જેને હાચે હાચ નેટ પર ધંધો કરવો જ હોયે તો બીજું બધું બાજુએ ‘રેવા’ દ્યો ને લઇ આવો વાઇડી ચોપડી….
યાર !…‘રેવ’ડી કાંઈ કોઈ એમને એમ થોડી આપી દેશે !?!?!?!
સર‘પંચ’
દુબઈના એરપોર્ટ પર જાહેરાતની એક નવી કળા.. ‘ફ્લેશ મોબિંગ’
લોકોનું ટોળું જ્યાં વધુ રહે છે. ત્યાં ત્યાં…એક ક્રિયેટિવ ‘રેવ’ સર્જાય છે. ફ્લેશ-મોબ્સ તરીકે ઓળખાતા આ લોકો અચાનક ક્યાંકથી પેદા થઇ ગાઈને, બજાવીને કે નાચીને આડકતરી રીતે કોઈક સેવા-પ્રોડક્ટનું પ્રમોશન કે જાહેરાત કરી જાય છે.
આવી જ ઘટના દુબઈ એરપોર્ટ પર થાય ત્યારે…..